Musafir hindi

किताबो का सफरनामा

નમષ્કાર મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું નોવેલ વિશે જેનું review તમે musafirhindi.com પર માણી શકો. કિશનભાઈ પંડયા, યુવા લેખક જેમણે લગભગ દરેક ઝોનરમાં ઝમ્પલાવ્યું છે. તેઓ લેખક સાથે સાથે કવિ પણ છે. તેમની કૃતિઓ shopizen, pratilipi સાથે ઓડિયો બુક્સ kukufm જેવી ખ્યાતનામ એપ્સ પર વાંચી શકો છો. આજે આપણે તેમના દ્વારા લખાયેલ નોવેલ તાભર નું ઇન્ટરવ્યૂ માણીશુ તો બન્યા રહો અમારી સાથે અને લઈએ એક મુલાકાત યુવા પીઢીના લેખક કિશન પંડયા સાથે.

◆ જે શબ્દ વિશે જાણવાની લોકોને તાલા વેલી છે એવા ‘તાભર’ શબ્દનો ઉદ્દભવ કઈ રીતે થયો?

🖊️જે.કે. રોલિંગ વડે લખવામાં આવેલી હેરી પોટર સિરીઝમાં વિલન ‘વોલ્ડમોટ’નું બાળપણનું નામ ‘ટોમ મારવેલો રીડલ’ હોય છે. ટોમ મારવેલો રીડલના અક્ષરોમાંથી જ વોલ્ડમોર્ટ બને છે. ટોમ મારેવેલો રીડલ એક શાંત બાળક હોય છે, જે અંતમાં એક વિલન બની જાય છે.
ઉપરથી શાંત લાગતા ટોમની અંદર વોલ્ડમોર્ટ છુપાયેલો હતો એ બતાવવા લેખિકા વડે એમાં એવું કરવામાં આવ્યું છે. આ થઈ થોડીક પૂર્વભૂમિકા, હવે મૂળ વાત પર આવું.
‘તાભર’ એ એક ડિસ્થોપિયન નવલકથા છે, એટલે કે એક સુખી દેશમાં કઈ પરિસ્થિતિને લીધે લોકોના માનવીય હક પર તરાપ આવી જાય છે?, એ રજૂ કરતી નવલકથા છે.
હાલમાં જયારે સમાચાર અને ઈતિહાસને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ભવિષ્યમાં આપણા ભવ્ય ભારત દેશમાં એ હાલત થઈ શકે, એ કલ્પના આ નવલકથામાં રજૂ કરવામાં આવી છે.
નવલકથા લખતા સમયે જ મેં એવું નક્કી કર્યું હતું કે જેમ ટોમ મારવેલો રીડલ પરથી વોલ્ડમોર્ટ
બને એ જ રીતે મારે ભારત નામ સાથે કોઈ રજુઆત કરવી,પણ ભારતનું શું કરવું? , જે લોકોને આકર્ષે એ અંગે હું મૂંઝવણમાં હતો. મેં બકુલભાઈને મારી એ મૂંઝવણ કહી અને ભારત પરથી કોઈ નામ બનાવી આપવા કહ્યું, એમને ‘ત’ અને ‘ભ’ શબ્દને બદલી આ નામ બનાવી આપ્યું. આ થયો ‘તાભર’ નામનો ઈતિહાસ.
પણ માત્ર નામ બદલવા પૂરતું ‘તાભર’ નામ રાખવું એના કરતાં એ નવલકથા સાથે પણ કોઈક રીતે જોડાયેલ રહે, એવું મારે કરવું હતું.
એટલે તાભર નામનો એક અર્થ પણ નવલકથામાં બનાવવામાં આવ્યો છે, જે તમને એકવીસમાં પ્રકરણમાં જોવા મળશે.

◆સરમુખત્યારશાહી અને નાર્સિસ્ટ પર્સનાલિટીના અનોખા સુમેળ વિશે થોડું જણાવશો?

🖊️જી બિલકુલ, આ કોમ્બિનેશન વિશ્વનું સૌથી ઘાતક કોમ્બિનેશન છે. નાર્સિસ્ટ વ્યક્તિ પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. સરમુખત્યારશાહી વ્યક્તિ પાસે ગમે તે હદ સુધી જવાની સતા હોય છે. મારી નવલકથામાં મહામહીમ રક્ષકનું પાત્ર આ મુજબનું છે. એને દેશમાં કેવા કેવા કાયદા બનાવ્યા હતા?, એ વાંચીને તમને આ કોમ્બિનેશનની ઘાતકતાનો અંદાજો આવશે.
અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે નાર્સિસ્ટ પર્સનાલિટીનું સતા સાથેનું ( સરમુખત્યારશાહી હોય કે લોકશાહી) કોમ્બિનેશન જ ખતરનાક છે.વ્યક્તિગત રીતે
નાર્સિસ્ટ પર્સનાલિટી ધરાવતી વ્યક્તિ પોતાની કલ્પના શક્તિને લીધે કલાના ક્ષેત્રમાં બહુ આગળ હોય છે. ટોલસ્ટોય અને દોસ્તોવ્યસકી જેવા જાણીતા સાહિત્યકાર પણ નાર્સિસ્ટ પર્સનાલિટી ધરાવતા હતા.

◆રહસ્ય અકબંધ રાખવા માટેની પ્રેરણા અને કઈ રીતે તમે તેનો ઉપયોગ કર્યો?

🖊️આ માટે કોઈ એક વિશેષ સ્ત્રોતનું નામ તો ન કહી શકું કારણકે નવલકથા લખવામાં પછી શું થશે? , એ વાત વાંચકોથી થઈ શકે ત્યાં સુધી સંતાડી રાખવી એવું ઘણા સાહિત્યકાર કહે છે.
મેં નવલકથામાં રહસ્ય અકબંધ કઈ રીતે રાખ્યું એ અંગે વાત કરું તો, મેં લિફ્ટ સિસ્ટમથી આ નવલકથા લખી હતી. લિફ્ટ સિસ્ટમના ઉદાહરણ માટે હું તમને એક ઉદાહરણ આપું.
માનો કે તમારે કેશોદ થી અમદાવાદ જવું એ નક્કી છે. કયાં રસ્તે થઈને જવું એ પણ નક્કી છે, પણ શેમાં બેસીને જવું એ નક્કી નથી, તમે રસ્તામાં લિફ્ટ માંગતા માંગતા ટ્રક,બાઈક જેવા અલગ અલગ સાધનોથી અમદાવાદ પહોંચો છો. ટ્રક પછી તમને કયાં સાધનમાં લિફ્ટ મળશે?, એ તમારા પોતાના માટે પણ રહસ્ય હોય છે. એ જ વસ્તુ નવલકથાના સંદર્ભેમાં જોઈએ તો નવલકથાની શરૂઆત અને અંત અગાવથી મનમાં નક્કી રાખેલ, વચ્ચેના પ્રકરણ કેટલા રાખવા અને એમાં શું લખવું?, એ આયોજન પણ બનાવી રાખેલ પણ બે પ્રકરણને કઈ રીતે જોડવા?, એ અંગે મેં કોઈ આયોજન બનાવ્યું ન હતું. મારા પોતાના માટે દરેક પ્રકરણનો અંત રહસ્ય સમાન રહેતો. એને લીધે જ હું રહસ્યને અકબંધ રાખી શક્યો.

◆આ નવલકથામાં કઈ કઈ પ્રકારની લાગણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે?વીભિન્ન લાગણીઓને એક તારમાં પરોવતા આવેલી મુશ્કેલીઓ?

🖊️પ્રેમ,નફરત,પ્રતિશોધ,મહત્વકાંક્ષા, લાલચ, ભય જેવી અન્ય કેટલીક લાગણીઓનો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. વિભિન્ન લાગણીઓ એક તારમાં પરોવવાને લીધે મુશ્કેલી પડવાના બદલે મારુ કામ આસાન થઈ ગયું એવું મને લાગે છે. કોઈ એક જ લાગણી પર વધુ શબ્દો લખવા અઘરા પડે, વધુ લાગણીઓ હોય તો બધાના થોડાક થોડાક શબ્દો કામ સહેલું બનાવે. જેમ વધુ કીડીઓ ભેગી થઈને સાપને તાણી શકે, એમ વધુ લાગણીઓ ભેગી થઈને નવલકથાનો ભાર ઊંચકી શકે. હા, કીડીઓની સંખ્યા બહુ વધી જાય તો તેઓ અંદર અંદર ખોરાક માટે લડવા લાગે,એમ એક હદથી વધુ લાગણીઓનો સમાવેશ કરવામાં આવે તો પાત્ર નિરૂપણ અને વર્ણનમાં બાધા રૂપ બની શકે. નવલકથામાં એવું ન થાય એ માટે મેં શક્ય એટલું ધ્યાન રાખ્યું છે. કોઈ એક પાત્ર ફરતે લાગણીઓ કેન્દ્રિત ન થઈ જાય એ માટે મેં બધા પાત્રોને સરખું મહત્વ આપ્યું છે. મારી નવલકથાનો હીરો રોહન છે કે નિશાન?, એ વાત વાંચકો છેલ્લે સુધી જાણી ન શકે, એ રીતે મેં એ બંનેની રજુઆત કરી છે.

◆સરમુખત્યારશાહી જેવા અઘરા વિષય પર તાભર લખવાની પ્રેરણા ક્યાંથી મળી?

🖊️જ્યોર્જ ઓરવેલ વડે ૧૯૪૯માં લખવામાં આવેલી ‘૧૯૮૪’ નામની નવલકથા પરથી. જ્યોર્જ ઓરવેલ ભારતમાં જન્મેલા એક બ્રિટિશ રાઈટર હતા. તેમને ૧૯૪૦ થી ૧૯૪૫ સુધી હિટલર અને સ્ટાલિનની નીતિઓ ખૂબ નજીકથી જોઈ હતી, એ નીતિઓ બ્રિટનમાં પણ ન આવી જાય એ માટે એમને લોકોને સંદેશો આપવા માટે એમને ‘૧૯૮૪’ લખવાની શરૂઆત કરેલી. એ નવલકથા લખતી વખતે તેમને ટીબીની બીમારી હતી. ડોકટરોએ તેઓ લાબું નહીં જીવે એવું સાફ કહ્યું હતું, તેઓને પોતાની વાત કહેવી એટલી જરૂરી લાગી કે ગંભીર બીમારીની હાલતમાં પણ ટાઈપિંગ ચાલુ રાખીને એમને નવલકથા પુરી કરી. નવલકથા પુરી થયાના સાત મહીનામાં જ તેઓ અવસાન પામ્યા. જ્યોર્જ ઓરવેલ જેવા મહાન લેખકે જે વાત લોકો સુધી પહોંચડવા માટે પોતાનું જીવન દાવ પર મૂક્યું હોય, એ વાત આપણા દેશના લોકો સુધી પહોંચે એ માટે મેં એ મુજબનો પ્લોટ પસંદ કર્યો.

◆તમારા હિસાબે તાભર ની કોઈ એક ઘટના જે સૌથી વધારે મહત્વની હોય કે તમને વધારેે ગમી હોય?

🖊️’તાભર’માં દરેક ઘટનાનું સરખું મહત્વ છે, એટલે કોઈ એક ઘટનાને મહત્વની તો નહીં કહું. કોઈ એક ઘટના પસંદ કરવાની હોય તો મહામહીમ રક્ષક અને નિશાનની મુલાકાતને પસંદ કરીશ કારણકે એ ઘટના પછી જ નવલકથાના રહસ્ય વાચકો સામે આવવાના શરૂ થાય છે.

◆તમારા હિસાબે એક એવો મુદ્દો જણાવો કે તાભર વાંચ્યા પછી વાંચકને એ મુદ્દા વિષે વિચારતા કરી મુકે?

🖊️કોઈપણ વાત પર વિચાર્યા વગર વિશ્વાસ કરવાની ટેવ. ભગવાન બુદ્ધ વડે વર્ષો પહેલા એક સંદેશો આપવામાં આવ્યો હતો, ‘ માત્ર કોઈ પુસ્તક કહે છે, કે કોઈ વ્યક્તિ કહે છે, કે હું કહું છું એ માટે કોઈ વાત ન માનો. તમે જાતે દરેક વસ્તુની ખાતરી કરો.’ આ વાક્ય આજના સમયમાં દરેક વ્યક્તિએ ધ્યાનમાં લેવા જેવું છે. ફલાની વ્યક્તિ કે સંસ્થા કયારેય ખોટું બોલી જ શકે કે ખોટું કરી જ ન શકે, એ માન્યતા બદલવા અંગે એક વ્યક્તિ વિચારે તો હું આ નવલકથા લખવા માટે મારી મહેનતને સાર્થક માનીશ.

◆સરમુખત્યારશાહી અને લોકશાહી વિષે આપના વિચાર?

🖊️એ બે માંથી પસંદ કરવાની હોય તો લોકશાહી જ પસંદ કરું. એ બંને અંગે તુલનાત્મક વાત કરવાની હોય તો સરમુખત્યારશાહી બે અંતિમો રજૂ કરે છે એ કાં તો સંપૂર્ણપણે સારી હોય શકે અથવા સંપૂર્ણપણે ખરાબ. મારી નવલકથામાં બે અલગ-અલગ પાત્ર વડે તેનું સારું અને ખરાબ બંને સ્વરૂપ દર્શાવ્યું છે. વાસ્તવિક જીવનમાં સતા મળ્યા બાદ કોઈક વ્યક્તિ જ સારી રહી શકે છે, એટલે એના બે છેડા માંથી ખરાબ છેડો જ વધુ જોવા મળે છે.
લોકશાહી વ્યવસ્થામાં લોકોનું સરકાર પર દબાણ હોવાથી તે સાવ ખરાબ બની શક્તિ નથી, એને થોડુંક તો થોડુંક સારું કામ કરવું પડે છે. ‘જે પોષતું એ મારતું, એ ક્રમ દિશે છે કુદરતી.’ આ જાણીતી પંક્તિ લોકશાહીને પણ લાગુ પડે છે. જે સમાજ,ધર્મ,ભાષાના લોકોની વસ્તી વધુ હોય એમની ખોટી માંગ પર સરકારને માનવી પડે છે,સરમુખત્યાર શાસક પર એવુ કોઈ દબાણ હોતું નથી. લોકશાહી એ એક પાણી ભરેલો પ્યાલો છે, જયારે સરમુખત્યાર શાહી એ એવો પ્યાલો છે જેમાં અમૃત પણ હોય શકે અને ઝેર પણ. જે પ્યાલામાં ઝેર હોવાની સંભાવના હોય એ પ્યાલો અમૃતની લાલચે કયારેય ન લેવાય, એવું મારુ માનવું છે.

તમે આ કૃતિની e-book નીચે આપેલ લિંક દ્વારા ખરીદી શકો છો.

https://shopizen.page.link/kdq7

તમે આ કૃતિની હાર્દકોપી ખરીદવા માંગતા હોય તો નીચે આપેલ લિંક દ્વારા ખરીદી શકો છો.

https://shopizen.page.link/HkvW

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *